આપણે નગેવાડીયા તરીકે કેમ ઓળખાઈએ છીએ તેની વાત એવી છે કે ગુજરાતના વિરમગામ નજીકના દસાડા તાલુકાના નગવાડા ગામે આપણા પૂર્વજો રહેતા હતા આમ નગવાડા પરથી ધીરે ધીરે આપણે નગેવાડીયા તરીકે ઓળખાવા લાગ્યા અને આપણે સાખે નગેવાડીયા કહેવાયા.
ગોંડલની નદીમાં રહેલા આપણા સુરાપુરા દાદાનો ઇતિહાસ એવો છે કે આજથી આશરે 500 વર્ષ પૂર્વે સુતાર મિસ્ત્રી મેઘજીબાપા તથા કલ્યાણબાપા ગાયોના ધણ વારતા ધિંગાણું થતા કામ આવ્યા (વીરગતી પામ્યા). તેથી તેની શહીદતાની યાદમાં તેનું સ્થાન નદી કાંઠે ખાંભીઓના રૂપમાં સ્થપાયેલ અને તે આપડા સુરાપુરા દેવ તરીકે પૂજાય છે. આ 500 વર્ષ જૂની ખાંભીઓને આપડે 34 વર્ષ પહેલા એટલે કે તા: 18-1-1984 પોષ સુદ, 15 સવંત 2040ના રોજ બંને ખાંભીઓને આપણે દેરી બંધાવી પુનઃ પ્રતિષ્ઠા કરી બેસાડેલ છે.
ગોંડલની જ દેરાશેરી તરીકે ઓળખાતી શેરીમાં આવેલા એક મકાનના નવેરાનાં ભાગમાં વર્ષો પહેલા આપડા વડવાઓએ મિસ્ત્રી લાલજી જેરામબાપાનું સ્થાનક પૂર્વજ તરીકે બેસાડેલ છે. આ સ્થાનકને પણ આપડા ઘણા કુટુંબો સુરાપુરા દેવ તરીકે પૂજે છે.